તેમનો જન્મ કર્ણાટકનાં બાગલકોટ જિલ્લામાં સ્વર્ગસ્થ શ્રી વિરૂપાક્ષપા અને શ્રીમતિ નિલમ્મા આંગડીનાં ઘરે થયો હતો. તેઓ નાનપણથી જ પ્રેરિત હતા અને રાષ્ટ્ર માટે કંઇક કરવા માટે તેમજ તેમના જીવનને મૂલ્યવાન બનાવવા ઇચ્છતા હતા
તેમનાં બાળપણ દરમિયાન, ગુરુજીની વસાહતમાં એક મંદિર હતું. મંદિરનાં ખર્ચને પહોંચી વળવા કોલોનીનાં તમામ ઘરેથી પૈસા એકત્ર કરવા જરૂરી હતા. તેમની વસાહતમાં આશરે 50 થી 60 ઘર હતા. વસાહતમાંથી કોઈ પણ આગળ આવીને આ ઘરોમાંથી પૈસા એકત્ર કરવા તૈયાર નહોતું કારણ કે તેને એક સામાન્ય કામ માનવામાં આવતું હતું. ત્યારબાદ ગુરુજી આગળ આવ્યા અને તેમણે અને તેમના એક નજીકનાં મિત્રએ આ જવાબદારી ઉપાડી લીધી. દરરોજ શાળા પછી, તેમણે આ ઘરોમાંથી નાણાં એકત્રિત કર્યા જેથી મંદિરના ભંડોળમાં મોટાપાયે મદદ મળી.
દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરવાના ઉત્સાહ અને જુસ્સા સાથે, માનવગુરુ મૂંઝવણમાં હતા કે તેમણે પોતાના રાષ્ટ્રની સેવા કરવા માટે કયા માર્ગને અપનાવવો જોઈએ. તેઓ માધ્યમિક શાળા પછી, સૈન્યની પસંદગી પ્રક્રિયામાંથી પસાર થયા હતા, પરંતુ શારીરિક પરીક્ષા દરમિયાન તેમની પસંદગી ન થતાં તેમને આંચકો લાગ્યો હતો. તેમનું વજન ઓછું હોવાથી તેમની પસંદગી કરવામાં આવી ન હતી. તેઓ ઘણાં અસ્વસ્થ થઈ ગયા હતા અને તેમને વિચાર આવતો કે, “જ્યારે હું રાષ્ટ્ર માટે મારું જીવન સમર્પિત કરવા માટે આતુર છું ત્યારે મને કેમ પસંદ કરવામાં આવ્યો નહી?”
અસ્વીકારથી તેઓ તેમના ધ્યેયથી વિચલિત ન થયા અને દ્રઢનિશ્ચય અને લગનથી તેમના જીવનમાં આગળ વધ્યા. તેમણે શિક્ષણમાં આગળ વધી કર્ણાટકનાં બાગલકોટ જિલ્લામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક પૂર્ણ કર્યું. જેમણે તેમને તેમના શિક્ષણકાળ દરમ્યાન માર્ગદર્શન આપ્યું તે શિક્ષકો પ્રત્યે તેઓ હંમેશા કૃતજ્ઞતાની ભાવના ધરાવતા હતા, જે તેમના દિલમાં આજે પણ છે.